Revelation of John 18

1એ પછી મેં બીજા એક દૂતને આકાશથી ઊતરતો જોયો; તેને મોટો અધિકાર મળેલો હતો; અને તેના મહિમાથી પૃથ્વી પ્રકાશિત થઈ. 2તેણે ઊંચા અવાજે કહ્યું કે, ‘પડ્યું રે, પડ્યું, મોટું બબિલોન પડ્યું. અને તે દુષ્ટ આત્માઓનું નિવાસ સ્થાન તથા દરેક અશુદ્ધ આત્માનું અને અશુદ્ધ તથા ધિક્કારપાત્ર પક્ષીનો વાસો થયું છે. 3કેમ કે તેના વ્યભિચાર [ને લીધે રેડાયેલો] કોપરૂપી દ્રાક્ષારસ સર્વ દેશના લોકોએ પીધો છે; પૃથ્વી પરના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે, અને વેપારીઓ તેના પુષ્કળ મોજશોખથી ધનવાન થયા છે.

4આકાશમાંથી બીજી એક વાણી એવું કહેતી મેં સાંભળી કે, ‘હે મારા લોકો, તમે તેના પાપના ભાગીદાર ન થાઓ, અને તેના પર આવનારી આફતોમાંની કોઈ પણ તમારા પર ન આવે. 5કેમ કે તેનાં પાપ આકાશ સુધી પહોંચ્યા છે, અને ઈશ્વરે તેના દુરાચારોને યાદ કર્યા છે. 6જેમ તેણે બીજાઓને ભરી આપ્યું તેમ તેને પાછું ભરી આપો, અને તેની કરણીઓ પ્રમાણે તેને બમણું જ આપો; જે પ્યાલો તેણે મેળવીને ભર્યો છે તેમાં તેને માટે બમણું મેળવીને ભરો.

7તેણે પોતે જેટલી કીર્તિ મેળવી અને જેટલો મોજશોખ કર્યો તેટલી વેદના તથા તેટલું રુદન તેને આપો; કેમ કે તે પોતાના મનમાં કહે છે કે, હું રાણી થઈને બેઠી છું. હું વિધવા નથી, અને હું રુદન કરનારી નથી; 8એ માટે એક દિવસમાં તેના પર આફતો એટલે મરણ, રુદન તથા દુકાળ આવશે, અને તેને અગ્નિથી બાળી નંખાશે; કેમ કે પ્રભુ ઈશ્વર કે જેમણે તેનો ન્યાય કર્યો, તે સમર્થ છે.

9પૃથ્વીના જે રાજાઓએ તેની સાથે વ્યભિચાર તથા વિલાસ કર્યો, તેઓ જયારે તેમાં લાગેલી આગનો ધુમાડો જોશે, ત્યારે તેઓ તેને માટે રડશે, અને વિલાપ કરશે, 10અને તેની પીડાની બીકને લીધે દૂર ઊભા રહીને કહેશે કે, ‘અરેરે, અરેરે! મોટું બબિલોન નગર! બળવાન નગર! એક ઘડીમાં તને કેવી શિક્ષા થઈ છે.’

11પૃથ્વી પરના વેપારી ઓ પણ તેને માટે રડે છે અને વિલાપ કરે છે, કેમ કે હવેથી કોઈ તેમનો સામાન ખરીદનાર નથી. 12સોનું, રૂપું, કિંમતી રત્નો, મોતીઓ, બારીક શણનું કાપડ, જાંબુડા રંગનાં, રેશમી અને કિરમજી રંગનાં વસ્ત્ર; તથા સર્વ જાતનાં સુગંધી કાષ્ટ, હાથીદાંતની, મૂલ્યવાન કાષ્ટની, પિત્તળની, લોખંડની તથા સંગેમરમરની સર્વ જાતની વસ્તુઓ; 13વળી તજ, તેજાના, ધૂપદ્રવ્યો, અત્તર, લોબાન, દ્રાક્ષારસ, તેલ, ઝીણો મેંદો, અનાજ તથા ઢોરઢાંક, ઘેટાં, ઘોડા, રથો, ગુલામો તથા માણસોના પ્રાણ, એ તેમનો માલ હતો.

14તારા જીવનાં ઈચ્છિત ફળ તારી પાસેથી જતાં રહ્યાં છે, અને સર્વ સુંદર તથા કિંમતી પદાર્થો તારી પાસેથી નાશ પામ્યા છે, અને હવેથી તે કદી મળશે જ નહિ.

15એ વસ્તુઓના વેપારી કે જેઓ તેનાથી ધનવાન થયા, તેઓ તેની પીડાની બીકને લીધે રડતા તથા શોક કરતા દૂર ઊભા રહીને, 16કહેશે કે, ‘અરેરે! બારીક શણનાં, જાંબુડા તથા કિરમજી રંગનાં વસ્ત્રથી વેષ્ટિત, અને સોનાથી, રત્નોથી તથા મોતીઓથી અલંકૃત મહાન નગરને હાય હાય!’ 17કેમ કે એક પળમાં એટલી મોટી સંપતિ નષ્ટ થઈ છે. અને સર્વ નાખુદા, સર્વ મુસાફરો, ખલાસીઓ અને દરિયાઈ માર્ગે વેપાર કરનારા દૂર ઊભા રહ્યા છે,

18અને તેઓએ તેમાં લાગેલી આગનો ધુમાડો જોઈને બૂમ પાડતાં કહ્યું કે, આ મોટા નગર જેવું બીજું કયું નગર છે?’ 19તેઓએ પોતાનાં માથાં પર ધૂળ નાખી, અને રડતાં તથા વિલાપ કરતાં મોટે સાદે કહ્યું કે, ‘અરેરે! અરેરે! જે મોટા નગરની સંપત્તિથી સમુદ્રમાંનાં સર્વ વહાણના માલિકો ધનવાન થયા, એક ક્ષણમાં ઉજ્જડ થયું છે.’ 20ઓ આકાશ, સંતો, પ્રેરિતો તથા પ્રબોધકો, તેને લીધે તમે આનંદ કરો, કેમ કે ઈશ્વરે તેની પાસેથી તમારો બદલો લીધો છે.’

21પછી એક બળવાન દૂતે મોટી ઘંટીના પડ જેવો એક પથ્થર ઊંચકી લીધો અને તેને સમુદ્રમાં નાખીને કહ્યું કે, ‘તે મોટા નગર બબિલોનને એ જ રીતે ઝપાટાથી નાખી દેવામાં આવશે. અને તે ફરી કદી પણ જોવામાં નહિ આવે. 22તથા વીણા વગાડનારા, ગાનારા, વાંસળી વગાડનારા તથા રણશિંગડું વગાડનારાઓનો સાદ ફરી તારામાં (નગરમાં) સંભળાશે નહિ; અને કોઈપણ વ્યવસાયનો કોઈ કારીગર ફરી તારામાં દેખાશે નહિ અને ઘંટીનો અવાજ તારામાં ફરી સંભળાશે નહી;

23દીવાનું અજવાળું તારામાં ફરી પ્રકાશશે નહિ અને વર તથા કન્યાનો અવાજ તારામાં ફરી સંભળાશે નહી! કેમ કે તારા વેપારીઓ જગતના મહાન પુરુષો હતા. તારી જાદુ ક્રિયાથી સર્વ દેશમાંના લોકો ભુલાવામાં પડ્યા. અને પ્રબોધકોનું, સંતોનું તથા પૃથ્વી પર જેઓ મારી નંખાયા છે, તે સઘળાનું લોહી પણ તેમાંથી જડ્યું હતું.’

24

Copyright information for GujULB